જગદીશ ગૂર્જર
ગુજરાતનાં પ્રતિભાસંપન્ન કવિ-વિવેચક ડૉ. જગદીશ ગુર્જરનો જન્મ 5મી સપ્ટેમ્બર, 1957નાં શિક્ષકદિનનાં દિવસે જંબુસરમાં થયો હતો. 1976માં સરકારી કચેરીમાં ક્લાર્ક તરીકેના કામ સાથે બી. એ., એમ. એ.માં ગોલ્ડ મેડલ મેળવ્યો.
ઈ. સ. 1982માં ગુજરાતી ભાષા સાહિત્યના અધ્યાપક તરીકે બિલિમોરા કૉલેજથી કારકિર્દી શરૂ કર્યા બાદ કિલ્લા પારડી તથા અંકલેશ્વરની કૉલેજોમાં અધ્યાપન કાર્ય કર્યું. દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, સુરતનાં ગુજરાતી વિષયની અભ્યાસ સમિતિના ચેરમેન તરીકે સક્રિય રહી વિવિધ અભ્યાસક્રમની સંરચનામાં ભાગ લીધો. જુદી જુદી કૉલેજોમાં વ્યાખ્યાનો આપ્યા. યુનિવર્સિટીમાં નવા શરૂ થયેલા ગુજરાતી વિભાગમાં પ્રોફેસર તરીકે વિવિધ કાર્યક્રમોનું આયોજન કર્યું. સાથે જ 'કૃતિનિમજ્જન', 'કૃતિલોક', 'કવિતાનો સૌન્દર્યલોક', 'સુરેશ જોશીની વાર્તાસૃષ્ટિ', 'મધુરાયની વાર્તાસૃષ્ટિ', 'કિશોર જાદવની વાર્તાસૃષ્ટિ' તેમજ 'રમણ પાઠકની શ્રેષ્ઠ વાર્તાઓ', 'સ્વર્ણિમ ગુજરાતના સ્વપ્નદૃષ્ટા : ક. મા. મુનશી' જેવા ગ્રંથોનું પ્રકાશન કર્યું.
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, સુરતના ગુજરાતી વિભાગનાં અધ્યક્ષ, પ્રોફેસર, આર્ટ્સ ફેકલ્ટીના ડીન, ગુજરાતી અભ્યાસ સમિતિનાં ચેરમેન, તથા દ. ગુ. ગુજરાતીના અધ્યાપક સંઘના પ્રમુખ, ગુજરાતીના અધ્યાપક સંઘના પૂર્વ પ્રમુખ, અંકલેશ્વરની કૉલેજના પૂર્વ આચાર્ય એવા ડૉ. જગદીશ ગુર્જરનું 28મી એપ્રિલ, 2016નાં રોજ આકસ્મિક હૃદયરોગનાં હુમલાને કારણે નિધન થયું.
– નરેશ વાઘેલા