કુમારપાળ દેસાઈ
પદ્મશ્રી શ્રી કુમારપાળ દેસાઈ ગુજરાતી સાહિત્યના એક અગ્રણી સાહિત્યકાર છે. પિતા પ્રસિદ્ધ નવલકથાકાર 'જયભિખ્ખુ'નો સાહિત્ય-વારસો અને માતા વિજયાબહેનનો સંસ્કારવારસો એમણે બહુ સરસ રીતે સાચવ્યો છે અને વધાર્યો છે. ચરિત્રકાર, બાલસાહિત્યકાર, પત્રકાર, જૈનદર્શનના વિદ્વાન, અભ્યાસી કુમારપાળનો જન્મ તા. ૩૦ ઑગસ્ટ, ૧૯૪૨ના રોજ રાણપુરમાં થયેલો. તેમણે પ્રાથમિક, માધ્યમિક અને કૉલેજશિક્ષણ અમદાવાદમાં લીધેલું. પહેલેથી જ લેખન-વાંચનનો શોખ. તેથી કૉલેજકાળ દરમિયાન એક જ વર્ષમાં તેમણે ચાર નિબંધસ્પર્ધાઓમાં ભાગ લીધો અને ચારેયમાં પ્રથમ આવેલા. ગુજરાતી વિષય સાથે ૧૯૬૩માં બી.એ.; ૧૯૬૫માં એમ.એ. થયા અને તે જ વર્ષે અમદાવાદની નવગુજરાત આર્ટ્સ કૉલેજમાં અધ્યાપક તરીકે જોડાયા. ૧૯૭૭માં આનંદઘન વિશે સંશોધન કરી પીએચ.ડી. થયા. ૧૯૮૩થી ગુજરાત યુનિવર્સિટીના ભાષાભવનમાં જોડાયા. પછી વિભાગીય અધ્યક્ષ, ભાષાભવનના અધ્યક્ષ અને છેલ્લે વિનયન વિદ્યાશાખાના ડીન થયા ને ત્યાંથી નિવૃત્ત થયા. ૨૦૦૬-૨૦૦૭ દરમિયાન તેઓ ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખપદે રહેલા.
તેમના હાથ નીચે સાહિત્ય, પત્રકારત્વ, જૈનદર્શન, શાંતિ-સંશોધન જેવા વિષયોમાં અનેક વિદ્યાર્થીઓ પીએચ.ડી. થયા છે. તેઓ ગુજરાતની મોટાભાગની શૈક્ષણિક-સાહિત્યિક-સંશોધન અને સામાજિક સંસ્થાઓ સાથે સંકળાયેલા છે. હાલ તેઓ ડૉ. ધીરુભાઈ ઠાકરના અવસાન બાદ ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટમાં નિયામક પદે છે અને કોશકાર્યને અનેક રીતે સાંપ્રતકાળ સાથે સાંકળી સમૃદ્ધ કરી રહ્યા છે.
સર્જક તરીકે જોઈએ તો તેમની લેખનપ્રવૃત્તિનો આરંભ ચરિત્રલેખનથી થયો હતો. તેમની પાસેથી અનેક ક્ષેત્રના મહાનુભાવોનાં જીવનચરિત્રો મળ્યાં છે. તેમની પાસેથી મળેલ માતબર બાળસાહિત્યના સંદર્ભમાં, દિલ્હી સાહિત્ય અકાદેમીનો ૨૦૧૯નો 'બાલસાહિત્ય પુરસ્કાર' તેમને મળ્યો હતો. તેમણે નવલકથાલેખન, સંશોધન, સંપાદન-અનુવાદ ક્ષેત્રે પણ ઠીક ઠીક કાર્ય કર્યું છે. ખાસ નોંધપાત્ર વાત તો એ છે કે ૧૯૫૩થી 'ગુજરાત સમાચાર'માં 'જયભિખ્ખુ' જે 'ઈંટ અને ઇમારત' કૉલમ લખતા, તે તેમના અવસાન બાદ આજ સુધી તેમણે ચાલુ રાખી છે. આ ઉપરાંત પણ તેઓ બીજી ત્રણ-ચાર કૉલમો લખે છે. પત્રકારત્વક્ષેત્રે રમત-સમીક્ષક તરીકે કાર્ય કર્યું છે.
તેમના આ વિશાળ કાર્યક્ષેત્રના સંદર્ભમાં તેમને લગભગ ૪૫ જેટલાં પારિતોષિકો મળ્યાં છે. તેમાં ૨૦૧૫માં રણજિતરામ સુવર્ણચંદ્રક, ૨૦૧૭માં પત્રકારત્વ ક્ષેત્રે ઉત્તમ પ્રદાન માટે આચાર્ય તુલસી સન્માન, ૨૦૨૨માં જૈન ઓલ પાર્લમેન્ટરી ગ્રૂપ દ્વારા લંડનમાં 'અહિંસા ઍવૉર્ડ' નોંધપાત્ર છે. બહુયામી પ્રતિભા ધરાવનાર ડૉ. શ્રી કુમારપાળ દેસાઈનું અનેક ક્ષેત્રમાં મૂલ્યવાન અને સત્ત્વશીલ પ્રદાન રહ્યું છે.
– શ્રદ્ધા ત્રિવેદી