મનુભાઈ પંચોળી 'દર્શક'
મનુભાઈ રાજારામ પંચોળી 'દર્શક' ગુજરાતના જાણીતા નવલકથાકાર, નાટ્યકાર, નિબંધકાર, કેળવણીકાર તથા સમાજસેવક હતા. તેમનો જન્મ 02-11-૧૯૧૪ના રોજ મોરબી જિલ્લાના પંચાશીયા ગામે થયો હતો. તેમણે તેમનું પ્રાથમિક શિક્ષણ તીથવા-લુણસર ગામમાં તથા માધ્યમિક શિક્ષણ વાંકાનેરમાં લીધું હતું. તેમણે આ દરમ્યાન નવમા ધોરણમાં અભ્યાસ કરતી વખતે ઈ.સ. ૧૯૩૦ના મીઠાના કાયદાની લડતમાં ભાગ લેવા ગાંધીજીથી પ્રેરાઇને પોતાનો અભ્યાસ પડતો મૂક્યો હતો. તત્કાલીન રાષ્ટ્રીય આંદોલનથી પ્રેરાઈને અભ્યાસત્યાગ કર્યા પછી તેઓ આઝાદી મળી ત્યાં સુધી સ્વાતંત્ર્યલડતમાં સક્રિય રહ્યા હતા અને તેથી એમને જેલવાસ પણ થયો હતો.
૧૯૩૩માં ભાવનગરની દક્ષિણામૂર્તિ સંસ્થામાં ગૃહપતિ તરીકે કારકિર્દીનો આરંભ. ૧૯૩૮થી આંબલામાં ગ્રામદક્ષિણામૂર્તિ લોકશાળામાં અધ્યાપક અને ત્યારબાદ ૧૯૫૩થી સણોસરમાં લોકભારતી ગ્રામવિદ્યાપીઠમાં અધ્યાપક. નિયામક અને મૅનેજિંગ ટ્રસ્ટી. ૧૯૪૮માં ભાવનગર રાજ્યના જવાબદાર પ્રજાતંત્રમાં શિક્ષણપ્રધાન. ૧૯૬૭થી ૧૯૭૧ સુધી ગુજરાત વિધાનસભાના સભ્ય અને એ દરમિયાન ૧૯૭૦માં ગુજરાત રાજ્યના શિક્ષણમંત્રી. ૧૯૮૦ સુધી રાજ્ય શિક્ષણ સમિતિના સભ્ય. ૧૯૬૪માં રણજિતરામ સુવર્ણચંદ્રક. ૧૯૭૫માં સાહિત્ય અકાદમી, દિલ્હીનો પુરસ્કાર. ૧૯૮૭માં ‘ઝેર તો પીધાં છે જાણી જાણી’ને ભારતીય જ્ઞાનપીઠનો મૂર્તિદેવી પુરસ્કાર. ૧૯૮૨માં ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ.