Author: મધુસૂદન મોદી

મધુસૂદન મોદી

મધુસૂદન ચીમનલાલ મોદી (૨૦-૧૧-૧૯૦૪ - ૨૩-૪-૧૯૭૪) : સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ અને પ્રાચીન ગુજરાતી ભાષાના મર્મજ્ઞ વિદ્વાન તેમ જ તુલનાત્મક વિવેચનની શાસ્ત્રીય પદ્ધતિપૂર્વકના ગ્રંથસંપાદનના નિષ્ણાત મધુસૂદન મોદીનો જન્મ ખેડા જિલ્લાના ઠાસરામાં થયો હતો. વડોદરા અને પૂનાની ફર્ગ્યુસન કૉલેજમાંથી ૧૯૨૩માં બી.એ. અને સંસ્કૃત વેદાન્તશાસ્ત્ર અને પ્રાકૃત ભાષામાં એમ.એ. થયા પછી એ ૧૯૩૨માં એલએલ.બી. થયા હતા. વ્યાપાર ઉપરાંત તેઓ સર ચીનુભાઈ બેરોનેટનાં બાળકોને ભણાવતા હતા. આ શિક્ષણપ્રેમને કારણે એમણે મિત્રોના સહયોગથી અમદાવાદમાં ન્યૂ એજ્યુકેશન હાઈસ્કૂલ, નૂતન હાઇસ્કૂલ તથા વિદ્યાનગર હાઇસ્કૂલની સ્થાપના કરી હતી. બીલીમોરામાં ભાગીદારીથી ચાલતા કારખાનામાં એમનું અવસાન થયું હતું. એમના સ્વાધ્યાય અને સંશોધનાત્મક યોગદાનને અનુલક્ષીને ગુજરાત વિદ્યાસભામાં એમની અનુસ્નાતક પ્રધ્યાપક તરીકેની સેવાઓ મેળવાઈ હતી. અમદાવાદમાં ધૂમકેતુ-મેઘાણીની નિશ્રામાં સાહિત્યકારોના યોજાતા 'ચા-ઘર' મિલનના એ નિયમિત સભ્ય હતા.

'અંતગડદસાઓ' અને 'અણુત્તરોવવાઈયદસાઓ' (૧૯૩૨) તથા 'વિવાગસુયં' (૧૯૩૫) એ એમના અંગ્રેજી પ્રસ્તાવના, ટિપ્પણ અને ભાષાંતર ધરાવતાં પ્રારંભકાલીન સંપાદનો છે. 'વસંતવિલાસ'નું સંપાદન એમનાં સઘન ભાષાપ્રભુત્વ તથા અર્થઘટનની સૂઝબૂઝનો પરિચય આપે છે તેમજ ઐતિહાસિક અને તુલનાત્મક સામગ્રી-માહિતી માટે ઉપયોગી છે. આત્માનંદ જન્મશતાબ્દી સ્મારક-ગ્રંથમાળાના પાંચમા પુષ્પ તરીકે પ્રકાશિત 'હેમસમીક્ષા'(૧૯૪૨)માં હેમચંદ્રાચાર્યએ કરેલી વાઙ્મય—ઉપાસનાનાં સર્વગ્રાહી પરિચય અને માર્મિક મીમાંસા મળે છે. 'ગુર્જર રાસાવલિ'(૧૯૫૬)એ એમણે મોહનલાલ દલીચંદ દેસાઈ અને બલવંતરાય ક. ઠાકોર સાથે કરેલું વિશિષ્ટ કૃતિઓનું સંપાદન છે. અપભ્રંશના અભ્યાસના સુફળ રૂપે એમણે અપભ્રંશ ભાષાની બે મહત્ત્વની કૃતિઓ 'પઉમસિરિચરિઉ' (પદ્મશ્રીચરિત, ૧૯૪૭) અને 'નેમિનાહચરિઉ' (નેમિનાથચરિત, ૧૯૭૨)નાં સંપાદનો હરિવલ્લભ ભાયાણી સાથે કર્યાં છે. મુનિ જિનવિજયજીની પ્રસ્તાવના ધરાવતું 'પઉમસિરિચરિઉ'ની પાટણના સંઘવી પાડામાંથી એકમાત્ર ઉપલબ્ધ પ્રત અસંખ્ય અશુદ્ધિ તેમ જ વિલક્ષણ લેખનશૈલીવાળી હોવા છતાં તેનાં ઉચિત અર્થઘટનો કરવાનું અતિ કઠિન કામ એમણે પાર પાડ્યું છે. આ સંપાદન એમની શાસ્ત્રીય સંપાદનશૈલીનું વિરલ દૃષ્ટાંત નીવડ્યું છે. વરયત્તકૃત 'વરયસામિચરિઉ', દેવચંદ્રસૂરિકૃત 'સુલસકખાણુ' તથા 'છકમ્મુવએસો' (૧૯૭૨) એમનાં દૃષ્ટિપૂતઃ સંપાદનો છે.

સાતમાથી અગિયારમા સૈકા દરમિયાન રચાયેલા અપભ્રંશ સાહિત્યમાંનાં અવતરણો ધરાવતી 'અપભ્રંશ પાઠાવલી' અને 'ભાવનાસંધિ પ્રકરણ' એમનું અપભ્રંશ ભાષાનું પ્રભુત્વ દર્શાવે છે. આ ઉપરાંત એમણે ગાયકવાડ ઓરિએન્ટલ સિરીઝ અંતર્ગત 'પ્રાચીન ગુર્જર કાવ્યસંગ્રહ'નું સંપાદન પણ કર્યું છે.

– કાનજીભાઈ પટેલ

'ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ'(ગ્રંથ ૬)માંથી સાભાર

મધુસૂદન મોદીનાં પુસ્તકો

Searching...