‘હેમસમીક્ષા’ મધુસૂદન મોદીનું શ્રીમદ્ હેમચંદ્રાચાર્યની ઉપલબ્ધ કૃતિઓની પરિચાયક વિવેચના આપતું પુસ્તક છે. ૪૦૦ પૃષ્ઠ સુધી વિસ્તરેલાં, ઈ.સ. ૧૯૪૨માં પ્રકાશિત થયેલાં આ પુસ્તકને શ્રી જિનવિજયજીના પુરોવચનનો લાભ મળ્યો છે. પુરોવચનમાં જિનવિજયજીએ ગ્રંથકાર હેમચંદ્રાચાર્યનો અને એમની સમગ્ર સર્જનપ્રવૃત્તિનો પરિચય લાઘવમાં પણ સરળ રીતે કરાવ્યો છે. જિનવિજયજી નોંધે છે કે હેમચંદ્રાચાર્ય એકલા સંસ્કૃત સાહિત્યના જ મહાન ગ્રંથકાર ન હતા પણ તેઓ પ્રાકૃત, અપભ્રંશ અને દેશ્ય ભાષાના સાહિત્યના પણ એટલા જ સમર્થ અને પારંગત ગ્રંથપ્રણેતા હતા. તેમણે રચેલું પ્રાકૃત ભાષાનું વ્યાકરણ સમગ્ર ભારતીય સાહિત્યમાં એક અપૂર્વ અને અનન્ય ગ્રંથ છે. તેમનો દેશીનામમાલા - દેશીશબ્દકોશ પણ એટલો જ અદ્વિતીય છે. હેમચંદ્રાચાર્યના ગ્રંથોનું વિષયવૈવિધ્ય બુદ્ધિને હચમચાવી દે તેવું છે. વ્યાકરણશાસ્ત્ર, કાવ્યશાસ્ત્ર, મહાકાવ્ય-રચના, છંદશાસ્ત્ર, ન્યાયશાસ્ત્ર, યોગશાસ્ત્ર, પુરાણરચના અને એવા અનેક શાસ્ત્રીય પ્રકારના વૈવિધ્યસભર પાંડિત્યપૂર્ણ ગ્રંથો તેમણે લખ્યા છે. આ બધાં વિશેના ગ્રંથોની સમીક્ષા આ પુસ્તકમાં છે.
આ પુસ્તકમાં હેમચંદ્રાચાર્યના જે ગ્રંથોની સમીક્ષા થઈ છે તેની યાદી અહીં જોઈ શકાશે : ‘સિદ્ધહેમચંદ્રશબ્દાનુશાસન’, ‘સિદ્ધહેમશબ્દાનુશાસનનાં અંગો’, સંસ્કૃત શબ્દકોશો — ‘અભિધાન ચિંતામણિ’, ‘અનેકાર્થસંગ્રહ’, ‘નિઘંટુશેષ’, ‘સંસ્કૃત દ્વયાશ્રય મહાકાવ્ય’, ‘પ્રાકૃતવ્યાકરણ’, ‘દેશીનામમાલા’, ‘પ્રાકૃત દ્વયાશ્રયમહાકાવ્ય’, ‘કાવ્યાનુશાસન’, ‘છંદોનુશાસન’, ‘પ્રમાણમીમાંસા’, ‘હેમચંદ્રાચાર્ય વિરચિત સ્તવનો’, ‘યોગશાસ્ત્ર’, ‘ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત’.
વાચક-અભ્યાસીને શ્રીમદ્ હેમચંદ્રાચાર્યે આજીવન કરેલી અદ્વિતીય સાહિત્યઉપાસનાનો સુંદર અને સર્વગ્રાહી પરિચય આ પુસ્તકમાંથી મળે છે. ગુજરાતી ભાષા બોલનારા તેમજ સમજનારા જિજ્ઞાસુવર્ગને માટે આ ઘણું ઉપયોગી પુસ્તક છે.
– કીર્તિદા શાહ